અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય તેની દિશા બદલ્યા વિના ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ચક્રવાત ગુજરાતના જાખૌના કિનારેથી 280 કિલોમીટર દૂર છે, જ્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બિપરજોય ચક્રવાત આવતીકાલે લેન્ડફોલ કરશે અને પવનની ઝડપ ખૂબ જ વધુ રહેશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતનો ખતરો હજુ પણ રાજ્ય પર તોળાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા લાગ્યા છે, આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે કે ચક્રવાત બિપરજોય આવતીકાલે 4 થી 8 દરમિયાન લેન્ડફોલ કરશે. પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ગુજરાતમાં ચક્રવાત ન ફૂંકાય તેવી શક્યતાઓ ઘટી રહી હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચક્રવાતની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ગંભીર છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, આ ઉપરાંત ઘણા ભાગોમાં તેજ ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તો બીજી તરફ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર અને દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.