એક ચોંકાવનારા અહેવાલ મુજબ આ વર્ષે પણ મોટી સંખ્યામાં અમીર લોકો ભારત છોડવાની તૈયારી કરી રહ્યા છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર, 6500 હાઈ નેટવર્થ વ્યક્તિઓ 2023માં દેશ છોડવાની તૈયારી કરી રહી છે. જો કે આ સંખ્યા પાછલા વર્ષની ધનની સરખામણીમાં ઓછી છે.
માહિતી અનુસાર, ગયા વર્ષે 7500 અમીર લોકો ભારત છોડીને જતા રહ્યા. હેનલી, જેણે આ અહેવાલ જારી કર્યો છે, તે વિશ્વભરમાં સંપત્તિ અને રોકાણ સ્થળાંતર પર નજર રાખે છે. હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) દેશ છોડીને જતા રહેવાની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આ મામલે ચીન ટોચ પર છે. 2023માં ચીનના 13500 અમીર લોકો દેશ છોડી શકે છે.
મિલિયોનેર્સ હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNI) એ એવા લોકો છે કે જેમની પાસે 10 લાખ ડોલર કે તેથી વધુ રોકાણ કરી શકાય તેવી સંપત્તિ છે.
અમીર લોકો દેશ છોડવાના મામલામાં બ્રિટન વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. 3200 HNI અહીંથી દેશ છોડી શકે છે. જ્યારે રશિયાના 3000 અમીર લોકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. રશિયા આ મામલામાં ચોથા સ્થાને છે. 2022ની વાત કરીએ તો રશિયાના 8500 અમીર લોકો દેશ છોડીને જતા રહ્યા.
હવે સવાલ એ છે કે અમીર લોકો પોતાનો દેશ કેમ છોડીને જતા રહે છે. આ મુખ્યત્વે કર કાયદાની જટિલતાઓને કારણે છે. ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં ગૂંચવણોના કારણે દર વર્ષે હજારો અમીર લોકો દેશ છોડીને જતા રહે છે.
દુનિયાભરના અમીર લોકો દુબઈ અને સિંગાપોર જેવા સ્થળોને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. અમીરો એવા દેશમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો લવચીક અને હળવા હોય.
ટેક્સ નિયમોની જટિલતાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે નાણા મંત્રાલયને ઘેર્યું હતું. પીઢ આઈટી કંપની ઈન્ફોસિસના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર ટીવી મોહનદાસ પાઈએ પણ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે નાણા મંત્રાલયે HNIs માટે જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ટેક્સ નિયમોને ખરેખર સરળ બનાવવાની જરૂર છે.