અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું ચક્રવાત બિપોરજોય જાખાઉથી 280 કિલોમીટર દૂર છે. તે દ્વારકાથી 290 કિલોમીટર, પોરબંદરથી 350 કિલોમીટર અને નલિયાથી 310 કિલોમીટર દૂર છે. ચક્રવાત બિપોરજોય વધુ આક્રમક બન્યું છે. ચક્રવાત કચ્છની નજીક પહોંચી ગયું છે. જ્યારે ચક્રવાત ત્રાટકશે ત્યારે પવનની ઝડપ 135 કિમી રહેશે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાત બિપોરજોયના કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાલડીયામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દ્વારકા તાલુકામાં 4 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 28 તાલુકાઓમાં 1 થી 2.5 વરસાદ નોંધાયો છે.
સાયક્લોન બિપોરજોયને જોતા દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પશુઓને નુકસાન થઈ શકે છે. ગામલોકો પોતાનો સામાન, ઘર અને પ્રાણીઓ છોડવા માંગતા નથી.