અમેરિકામાં ગુજરાતી મૂળના 41 વર્ષના ધર્મેશ પટેલની હત્યાનો પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યૂઝના કેસમાં ધરપકડ કરી છે. તેમના પર જાણી જોઈને પત્ની અને બે બાળકો સાથેની ટેસ્લા કારને 250 થી 300 ફૂટ ઊંડી ખીણમાં ધકેલવાનો આરોપ છે.
અમેરિકાની હાઈવે પેટ્રોલ પોલીસે કહ્યું કે, કેલિફૉર્નિયાના પાસાડેનામાં રહેતા ધર્મેશ પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તેઓને સેન મેન્ટે કાઉન્ટીની જેલમાં ધકેલવામાં આવશે.
કેલિફોર્નિયાના હાઈવે પેટ્રોલ પોલીસે કહ્યું કે, ધર્મેશ પટેલ સહિત તેમના પત્ની અને બાળકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. તેઓને સેન મેન્ટો કાઉન્ટીના ડેવિલ્સ સ્લાઈડ પર્વત પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ફાયર ફાઈટર્સની ટીમે ખીણમાં ઉતરીને 4 વર્ષ અને 9 વર્ષના બે બાળકોને બચાવી લીધા, જ્યારે ધર્મેશ પટેલ અને તેમના પત્નીને હેલિકૉપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા.
આ ઘટનામાં એકત્રિત પુરાવાઓના આધારે તપાસકર્તાઓએ તેને જાણી જોઈને ઘટના માની છે. અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓએ આ બાબતે ઈમરજન્સી સર્વિસ 911 પર ડાયલ કરીને જાણકારી આપી હતી.