કેરળના ફોર્ટ કોચી કિનારે એક માછીમારને દરિયામાં ગોળી મારી દેવાની ઘટના સામે આવી છે.આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં આ ગોળી ક્યાંથી આવી તે હજુ જાણી શકાયું નથી. આ મામલો પોલીસ અને નૌકાદળની તપાસ માટે પણ પડકાર બની ગયો છે. હાલ બુલેટને તપાસ માટે મોકલવામાં આવશે.બુધવારે કેરળના ફોર્ટ કોચી કિનારે દરિયામાં એક માછીમારને અચાનક બુલેટ લાગી હતી. કોણે ગોળી મારી છે તે પણ તેને ખબર ન હતી. સદનસીબે, ગોળી તેના કાન પાસે વાગી હતી, જેથી તેને ગંભીર ઈજા થઈ ન હતી. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માછીમારની ઓળખ ચેલાનમના રહેવાસી સેબેસ્ટિયન (72) તરીકે થઈ છે.’
સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસે માછીમારની બોટમાંથી બુલેટ પણ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યે બની હતી જ્યારે તેમની બોટ INS દ્રોણાચાર્ય નજીકથી પસાર થઈ હતી.
ફોર્ટ કોચી પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં નેવીનું ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું હતું. પોલીસ ઉપરાંત નેવીએ પણ ઘટનાની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ માછીમારની પૂછપરછ કરી રહી છે. સાથે જ, રિકવર થયેલી બુલેટને પણ તપાસ માટે મોકલવામાં આવશે જેથી કરીને જાણી શકાય કે આવી બુલેટનો ક્યાં ઉપયોગ થાય છે અને કોને ફાળવવામાં આવ્યો હતો.