ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સલમાન અને સોહેલને પોતાના આર્થિક લાભ ખાતર ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલો વેચતા ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે 4 ચેકપોસ્ટ કાર્યરત કરી દીધી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય.ગત રોજ સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા. જેઓને ભરૂચ એસ.સો.જી. એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે અટકાવ્યા હતા.
સોહેલના ખિસ્સામાંથી 37 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ઇકો ગાડીમાંથી બ્લેક ડોગ, વેટ 69, બ્લેક એન્ડ વ્હાઇટ, બેલેન્ટાઇન, ગ્લેની બ્લેન્ડેડ સ્કોચ અને બિયરનું એક ટીન મળી રૂપિયા 13480 ની 6 બોટલો મળી આવી હતી.SOG એ ચરસ, દારૂ-બિયર, 2 મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે.