છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં એકસાથે છોડવામાં આવેલા 18 લાખ ક્યૂસેક પાણીના કારણે વડોદરા, ભરૂચ તથા અંકલેશ્વર જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. નદીના કાંઠામાં રહેતા હજારો લોકોએ પોતાનું ઘર તથા ઘરવખરી ગુમાવી છે. પૂર જેવી સ્થિતિમાં લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે સરકાર પૂરપીડિતોની પડખે પહોંચવાની જગ્યાએ સર્વે કરવાની કામગીરીમાં પડી છે. પીડિતો માટે પ્રાથમિકતા કઈ હોય તે સરકાર કઈ રીતે જાણે? ત્યારે સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓએ પૂરપીડિતો સાથે નિસ્બત રાખી લોકોની પડખે ઊભું રહ્યાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાંથી એકસાથે છોડવામાં આવેલ 18 લાખ ક્યૂસેક પાણીથી ઝગડિયા તાલુકાનાં કાંઠા વિસ્તારમાં 2500 કરતાં વધુ લોકો બેઘર બન્યા છે. પૂરથી પીડિત લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારની પણ જવાબદારી બને છે કે, અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સહાય પૂરી પાડવામાં આવે. કાંઠા વિસ્તારમાં આવેલા પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પણ પાણી ઓસરી જવાથી અસરગ્રસ્તોની મુશ્કેલીમાં કોઈ ફેર પડે તેમ નથી કારણ કે, ઝૂંપડામાંથી અને ઘરમાંથી પાણી ઓસર્યા બાદ ઘરની પરિસ્થિતી બધુ નાજુક બની છે. અસરગ્રસ્તો ભૂખ્યા તરસ્યા ટળવળી રહ્યા છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ સરકારી ચોપડે નોંધ કરી હાંશકારો મેળવ્યો છે, ત્યારે સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ પૂરપીડિતોની પડખે ઉભા રહ્યા છે.
સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાજીક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા તો થઈ રહી છે પણ જે લોકોના ઘર પૂરથી જમીનદોસ્ત થઈ ગયા છે તેમણે સરકાર દ્વારા માત્ર સર્વેની કામગીરી દ્વારા આશ્વાસન અપાઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂરપીડિતો માટે હજુ સુધી કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, અસરગ્રસ્તો સ્થળાંતર કરી કઈ જગ્યાએ આશરો મેળવશે? સરકાર રાહત પેકેજ ક્યારે જાહેર કરશે વગેરે સવાલોના જવાબ માત્ર સરકાર જ આપી શકે છે, પણ સામાજીક સંસ્થાઓ હાલ તો પીડિતો માટે સરકારનું જ કામ કરી છે તેમ કહેવું વધારે ઉચિત જણાય છે.