• જો બેરોજગાર ઉમેદવાર ભાઈઓ-બહેનોને ન્યાય નહી મળે તો સરકારને ઈચ્છા મૃત્યુ માટે અરજી કરાશે: ઉમેદવારોના પ્રતિનિધિ મંડળ
• ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં મહિલા કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિઃ જેનીબેન ઠુંમર
• ચૂંટણી પહેલા કર્યા હતા નોકરીના વાયદા,હવે કરે છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં- LRDનું નામ પડતા જ ગાંધીનગર સચિવાલયમાં તેમનો પ્રવેશ વર્જીત કરવામાં આવે છેઃ નિશાંત રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ સફળ ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે પોતાની ન્યાયીક રજુઆત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સરકારે બાંહેધરી આપ્યા પછી પણ નોકરી આપી નથી. આ લાયકાત વાળા સમગ્ર ગુજરાતના ઉમેદવાર બેરોજગાર બહેનો અને ભાઈઓના પ્રતિનિધિ મંડળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રવક્તા નિશાંત રાવલને રજુઆત કરેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને ઉદ્દેશીને આવેદનપત્ર તેમના વતી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રવક્તા નિશાંત રાવલે આવેદનપત્ર સ્વિકાર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની ૬૧૮૯ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી ૩૫૩૪ જગ્યાઓ વધારીએ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટીફિકેશન મુજબ મહિલા ૩૩ ટકા એટલે કે ૧૧૬૩ જગ્યાઓ અને પુરુષો ૬૭ ટકા એટલે કે ૨૩૬૧ જગ્યાઓ કરીને કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરેલ. ત્યારબાદ માન.ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના વિડીયો કોન્ફરન્સ થી LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. અને તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશન પણ કરેલ અને કહેલ કે તમને જલદી નોકરી માટે બોલાવી લેવામાં આવશે.જે અંગેની માહિતી લોકરક્ષક ભરતીબોર્ડ ની વેબસાઈટ પર મુકવામાં આવશે.
પરંતુ આ ઉમેદવારોને આજદિન સુધી નોકરી આપેલ નથી.અને ખાનગી રીતે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨ પુરુષ ઉમેદવારને લીધેલ છે. જેથી તેઓને LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટના જુદા-જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા ૫૬ બેહનો અને ૨૩ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે ૫ દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ. તેમ છતાં આજદિન સુધી તેઓને આજ સુધી કોઈ ન્યાય મળેલ નથી. તેમજ માન.ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી. માન.ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ જાહેરમાં નિવેદન આપેલ છે કે, LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂક સમયમાં નિમણૂક આપવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવાસ્થા છે. જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને બાધા તોડાવી પારણાં કરાવી અભિંનંદન પણ આપ્યા હતા. આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષ મહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકારને માંગણી કરે છે કે, એક તરફ ગુજરાત સરકારમાં પોલીસ બેડામાં પ્રતિ લાખે માત્ર ૧૨૮ પોલીસ કર્મિઓ છે અને હજારોની જગ્યાઓ ખાલી છે, બીજી તરફ આ ભરતી પ્રક્રીયામાં નિમણૂક મેળવવા તમામ ભાઈઓ તથા બહેનોએ ઘરની બધીજ જવાબદારીમાંથી સમય કાઢી ખુબજ મહેનત કરેલ છે. અને ૨૦% વેઇટીંગ લીસ્ટમાં તેમના નામ હોવા છતા તેઓની ન્યાયીક રજુઆત સરકાર સાંભળતી નથી. તો તેમની હકીકતલક્ષી રજુઆત પરત્વે ન્યાય આપી તમામ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર અપાવવા માટે નમ્ર અનુરોધ છે. ઉપરોક્ત માંગણી અંગે ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં ગુજરાત કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિ.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.