કર્ણાટકના ચિક્કાબલ્લાપુર વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં SUV નેશનલ હાઈવે 44 પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં ગાઢ ધુમ્મસ અકસ્માતનું કારણ હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના ગુરુવારે સવારે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરની છે. અહીં એક SUV ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા હતા. નેશનલ હાઈવે 44 પર ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. પોલીસને આશંકા છે કે ધુમ્મસવાળું વાતાવરણ અકસ્માતનું કારણ છે.
ચિક્કાબલ્લાપુરના પોલીસ અધિક્ષક ડીએલ નાગેશે જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશ સ્થિત ટાટા સુમો સવારે 7 વાગ્યાની આસપાસ એક ટ્રક સાથે અથડાઈ હતી.” પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મૃતકો આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગોરંતલા વિસ્તારના કોઠાચેરુવુના રહેવાસી હતા.
અથડામણને કારણે એસયુવીને નુકસાન થયું હતું અને પોલીસની સાથે રાહદારીઓએ પીડિતોને બહાર કાઢ્યા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાંચ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે મૃતકો વિશે વધુ વિગતો તપાસ બાદ જાણવા મળશે.