દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત શપથગ્રહણ કર્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે જ 6 ધારાસભ્યોએ પણ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મનિષ સિસોદિયા ફરી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન બન્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકો પર જીત મેળવી હતી.
શપથ ગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જોકે આ બધા વચ્ચે છોટે કેજરીવાલ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગળામાં મફલર, માથે ટોપી, ચશ્મા, મૂછો અને લાલ સ્વેટર આ ક્યૂટ કેજરીવાલ લોકોના દિલમાં છવાઈ ગયો હતો.
શપથ ગ્રહણ પ્રસંગે પોતાના સંબોધનમાં કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં નવા રાજકારણનો જન્મ થયો છે, દિલ્હી મોડલ હવે પુરા દેશમાં દેખાઇ રહ્યો છે.પાંચ વર્ષથી અમારો પ્રયાસ રહ્યો છે કે દિલ્હીનો ઝડપથી વિકાસ થાય, આગળ પણ આ પ્રયાસ ચાલુ રહેશે. હું સૌની સાથે મળીને કામ કરવા માંગુ છું, અમારા વિરોધીઓએ જે કઇ કહ્યુ, મે તેમણે માફ કરી દીધા. વિરોધીઓને અપીલ કરૂ છું કે હવે તે પોતાની રાજકીય ઉઠલપાથલ છોડે અને દિલ્હીના વિકાસમાં સહયોગ આપે.
સાથે જ કેજરીવાલે આ પ્રસંગે વડાપ્રધાન મોદીને પણ યાદ કરતા જણાવ્યું કે, મેં વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા પરંતુ તે બહાર છે, આવી નથીશક્યા, હું તેમના પણ આશીર્વાદ માંગુ છું. અંતમાં કેજરીવાલે હમ હોંગે કામયાબ ગીત પણ ગાયું હતું….