અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક નાની એવી વાત કે જેમાં કલ્પના પણ કરી શકીએ નહિ કે આટલી નાની વાતમાં ઝઘડો થશે અને જેમાં વાત હત્યા સુધી પહોંચી જશે. જોકે હત્યા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને હિમાંશુ પરમાર પોતાની બહેન માટે ભાજીપાઉ લેવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાનો કોઈની સાથે ઝઘડો ચાલતો હતો. મૃતક હિમાંશુ અને તેનો ભાઈ વિશાલ પરમાર ત્યાંથી નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંન્ને ભાઈઓએ છરીના ઘા ઝીકીને હિમાંશુ પરમારની હત્યા કરી દીધી. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ છે. ઘરનો કમાતો દીકરાની હત્યા થઈ જતા પરિવાર નિરાધાર બન્યો છે. અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.
બહેરામપુરામાં થયેલી હિમાંશુ પરમારની હત્યા કેસમાં પોલીસે બે સગા ભાઈ ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાની ધરપકડ કરી છે. આ ઘટનામાં બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ હતા. 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી વખતે સિગરેટ પીવાને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી. ત્યાર બાદથી તેઓની વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. અને તેઓ એકબીજા સાથે સંપર્ક બંધ કરી દીધા હતા. રક્ષાબંધનના દિવસે પણ આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને હિમાંશુની હત્યા કરી દીધી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.
ઈજાગ્રસ્ત યુવકને તબીબે મૃત જાહેર કરતા સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારા નામના બંને ભાઈઓ સામે હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લખેનીય છે કે આગાઉ બે વર્ષમાં બહેરામપુરામાં નજીવી બાબતે આ ૩જુ મર્ડર કરવામાં આવ્યું છે અગાઉ નપાણ સિગારેટ જેવી બાબતે એક નવયુવાનનું મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યાના સ્થાનિકોની એવી માંગણી છે કે ત્યાં સરકાર દ્વારા બનાવી આપેલા લાઈટના થાંભલા પર CCTV કેમરા નાખવામાં આવે જેનાથી આવી પ્રવુતિઓ વારવાર ના થાય. તેવી લોકો માંગણી કરી રહ્યા છે.