હાલોલ જીઆઈડીસી ખાતે આવેલ ઇનોવિટી ટાયર્સ કંપનીમાં છત પર સોલાર પ્લાન્ટના મેન્ટેનન્સના કામ દરમ્યાન પ્લાન્ટના ફોટા પાડવા છત પર ચઢેલા મૂળ ઉના તાલુકાના અને હાલ વડોદરાના છાણી ખાતે રહેતા 29 વર્ષીય એન્જિનિયરનું છત પરથી પટકાતા કરૂણ મોત નિપજયું હતું. આ ઘટના અંગે હાલોલ ટાઉન પોલીસે એડી વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉના તાલુકાના ભડાસી ગામે રહેતા અને હાલ વડોદરાના છાણી ખાતે રહેતા વાલાભાઈ હીરાભાઈ નાધોરા અમદાવાદની અવી સોલાર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. જેમાં તેઓ તેમના સાથી કર્મચારી શૈલેષભાઈ રાઠોડીયા સાથે હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલા ઇનોવીટી ટાયર્સ કંપનીમાં સોલાર પ્લાન્ટની મેન્ટેનન્સ તેમજ ક્લિનિંગની કામગીરી માટે આવ્યા હતા.
જ્યાં વાલાભાઈ સોલાર પ્લાન્ટના મેન્ટેનન્સ પહેલાની સ્થિતિ જોવા માટે લોખંડ તેમજ ફાયબરના પતરાવાળી કંપનીની છત ઉપર ચઢી સોલર પ્લાન્ટના ફોટા પાડવા હતા. તે દરમિયાન પ્લાસ્ટિકના ફાયબરના પતરા ઉપર તેઓનો પગ પડતાં પતરૂ તૂટી જતા તેઓનો શરીર પરનો કાબૂ ખોવાતા તેઓ છત પરથી જમીન પર પટકાયા હતા. જેમાં તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામતા તાત્કાલીક ખાનગી વાહન મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત ઘોષિત કર્યા હતા. જેમાં અકસ્માતે તેઓનું મોત થતા તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી અપાયો હતો. અને આ બનાવ અંગે તેમના સાથી કર્મચારી શૈલેષભાઈએ હાલોલ ટાઉન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ધુ તપાસ હાથ ધરી હતી