અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી ત્રણ દિવસ શહેરમાં રિક્ષાચાલકો હડતાળ પર જશે. રિક્ષાચાલકો હડતાળ પર ઉતરવા પાછળનું કારણ શહેરમાં ઓનલાઈન એપ્લીકેશન દ્વારા ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ છે. રિક્ષાચાલકો ઓનલાઈન એપ દ્વારા ટુ-વ્હીલર મુસાફરીનો વિરોધ કરી રહ્યા છે.
એપ્લિકેશન દ્વારા ટુ-વ્હીલર પર મુસાફરી બંધ કરવાની માંગ સાથે, અમદાવાદ રિક્ષાચાલકો એકતા યુનિયન દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી છે. યુનિયન દ્વારા ભૂખ હડતાળની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતે અમદાવાદના રિક્ષાચાલકો એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટુ વ્હીલર પર મુસાફરી કરે છે. તે ગેરકાયદેસર હોવાથી અમે તેને રોકવા માટે સરકારને અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.
શહેરના માર્ગો પર આ પ્રકારના વાહનો દોડતા હોય છે, આ સ્થિતિમાં રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી છે. યુનિયને માહિતી આપી છે કે ઓનલાઈન એપ્સ દ્વારા ટુ-વ્હીલરની મુસાફરી બંધ કરવાની માંગ સાથે રિક્ષાચાલકો 3જીથી 5મી ઓક્ટોબર સુધી હડતાળ પર જશે.