સોમવારથી શરૂ થતા સરકારી ગોલ્ડ બોન્ડ (SVG) સ્કીમ 2023-24ના પ્રથમ હપ્તા માટે સરકારે સોનાની ઇશ્યૂ કિંમત રૂ. 5,926 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જો તમે પણ સોનાની જાળવણીને લઈને ચિંતિત છો, તો સોવરિન ગોલ્ડ બોન્ડ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ 19 જૂનથી 23 જૂન સુધી પ્રથમ હપ્તામાં ખરીદી શકાય છે. આ સમયગાળા દરમિયાન ખરીદવામાં આવનાર ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે બોન્ડ માટે ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરનારા રોકાણકારોને ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત 5,876 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. બોન્ડ્સ બેંકો, નિયુક્ત પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL) અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE દ્વારા વેચી શકાય છે.
SGB સ્કીમ સૌપ્રથમ નવેમ્બર 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવા અને સોનાની ખરીદી દ્વારા ઘરની બચતના એક ભાગને નાણાકીય બચતમાં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી હતી. ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા 999 શુદ્ધતાના સોનાની સરેરાશ બંધ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે.