યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW), કુસ્તી માટે વિશ્વનું સંચાલન કરતી સંસ્થાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ને સસ્પેન્ડ કરી દીધું છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા તેની ચૂંટણી સમયસર યોજી શક્યું ન હતું અને તેથી ફેડરેશનને સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. WFI લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલ છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે.
ભારતીય રેસલિંગ ફેડરેશન પર UWW દ્વારા લાદવામાં આવેલા આ સસ્પેન્શનને કારણે, ભારતીય કુસ્તીબાજોને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ધ્વજ હેઠળ સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂપેન્દ્ર સિંહ બાજવાની આગેવાની હેઠળની એડહોક પેનલે ચૂંટણીઓ હાથ ધરવાની 45 દિવસની સમયમર્યાદાનો આદર ન કર્યા પછી ભારતીય કુસ્તીબાજોએ 16 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓલિમ્પિક-ક્વોલિફાઇંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ‘તટસ્થ રમતવીર’ તરીકે સ્પર્ધા કરવી પડશે.
IOAએ 27 એપ્રિલે એડહોક પેનલની નિમણૂક કરી હતી અને સમિતિએ 45 દિવસમાં ચૂંટણી યોજવાની હતી. UWW એ 28 એપ્રિલના રોજ ચેતવણી આપી હતી કે જો ચૂંટણીઓ યોજવાની સમયમર્યાદાનું આદર કરવામાં નહીં આવે તો તે ભારતીય ફેડરેશનને સસ્પેન્ડ કરી શકે છે. “UWW એ બુધવારે રાત્રે એડહોક પેનલને જાણ કરી કે WFI ને તેની એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીઓ ન કરાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે,” IOAના એક સૂત્રએ PTIને જણાવ્યું.
જણાવી દઈએ કે WFI 7 મેના રોજ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રમત મંત્રાલયે આ પ્રક્રિયાને અમાન્ય જાહેર કરી દીધી હતી.
ચૂંટણીઓ ઘણી વખત વિલંબિત થઈ છે, કારણ કે ઘણા અસંતુષ્ટો અને અસંબંધિત રાજ્ય સંસ્થાઓ ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર મેળવવા માટે કોર્ટમાં ગયા છે. જોકે હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.