લખતર તાલુકાનાં સદાદ ગામે પાણીની કપરી પરિસ્થિતિનાં કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. આ અંગે તંત્રને અનેક રજૂઆતો તેમજ અધિકારીઓની રૂબરૂ મુલાકાત બાદ પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ રોષે ભરાઈ હતી.સરપંચે અગાઉ લખતર મામલતદારને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ગામમાં મામલતદાર, ટીડીઓ તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સંપની મુલાકાત કરવા આવ્યા હતા. ત્યારબાદ માત્ર 1 દિવસ અપૂરતું પાણી આપ્યું હતું. જેથી ગામની જરૂરિયાત પૂરી થાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.સંપમાં ધીમે ધીમે પાણી શરૂ થતાં સાંજના 6 વાગ્યાના સુમારે ગામની મહિલાઓ સંપે પાણી ભરવા આવી હતી.
પરંતુ લગભગ પાંચેક મિનિટ એક બેડું ભરાઈ તેટલું ધીમે પાણી આવતું હોવાથી મહિલાઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી. આ અંગે ગામનાં રંજનબેન, ગૌરીબેન, ભાવનાબેન વગેરે જણાવ્યું કે છેલ્લાં એકાદ મહિનામાં 3 વખત માંડ પાણી આવ્યું છે. તે પણ અપૂરતું છે. લોકોને પણ પાણી પૂરું પડતું નથી તેવામાં ઢોર ઢાંખરનું શું? પાણી ન આવતાં બહુ જ અગવડતા વેઠવી પડે છે.સરપંચ વીરમભાઈ રબારીએ જણાવ્યું કે, અમારા ગામમાં પાણી ન આવતું હોવાની રજૂઆત સતત 6 દિવસ સુધી પાણી પુરવઠામાં કરતા સાતમા દિવસે અધિકારીઓ મુલાકાતે આવેલ અને પાણી આપ્યું હતું. તે પણ અપૂરતું હતું. અમારા ગામમાં લોકો માટે 70,000 લીટર તેમજ પશુઓ માટે 20,000 લીટર પાણીની જરૂરિયાત થઈને કુલ 90,000 લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે હાલમાં 10,000 લીટર પાણી પણ ગામમાં મળતું નથી. આ અંગે અનેક રજૂઆતો કરી છે હવે જો 2 દિવસમાં પૂરતું પાણી નહીં મળી રહે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.