ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને મ્યુનિ. કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી શાકભાજી તથા ફળ બજારમાં કાપડની થેલીનું વેન્ડિંગ મશીન લાગવવામાં આવ્યું છે. પાંચ રૂપિયાનો સિક્કો નાંખીને ગ્રાહકો પાંચ કિલોની કાપડની થેલી મેળવી શકે છે. ત્રણ દિવસમાં લોકોએ 100 થેલીની ઉત્સાહભેર ખરીદી કરતા ભૂતકાળ બનેલી સાદી કાપડની થેલી હવે ફરી ચલણમાં દેખાવા માંડશે.
થેલીનો દૂરઉપયોગ ન થાય તે માટે ટોકન કિંમત રખાઈ : જીપીસીબી અને મ્યુનિ.નું આયોજન : ઘરેથી કાપડની થેલી લઈને નીકળવામાં સંકોચ અનુભવતા યુવાનોને રાહત
છેલ્લાં ઘણા સમયથી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોને ઘરેથી કાપડની થેલી લઈને ખરીદી કરવા જવાના સૂચનો આપાઈ રહ્યા છે. પરંતુ આધુનિક યુગના અમુક લોકો ઘરેથી કાપડની થેલી લઈ જવામાં સંકોચ અનુભવે છે. જેથી આગાઉ પ્લાસ્ટિકની થેલીની જેમ હવે બજારમાં કાપડની થેલી સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. આવી જ એક પહેલ જીપીસીબી અને એએમસી દ્વારા કરાઈ છે. પાલડી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી શાકભાજી અને ફળ બજારમાં કાપડની થેલીનું વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. પાંચ રૂપિયાનો સિક્કો નાંખીને ગ્રાહકો આશરે પાંચ કિલોની કાપડની થેલી મેળવી શકે છે. 72 કલાકમાં સ્થાનિકોએ ૧૦૦ થેલીની ખરીદી કરી હતી. વીજળી વગર ચાલતી આ મેન્યુઅલ મશીનની ક્ષમતા પ્રમાણે તેમાં એક સાથે ૫૦ થેલી મૂકી શકાય છે. ખોટી રીતે થેલીનો બગાડ ન થાય તે માટે આ ટોકન કિંમત રાખવામાં આવી છે. આગામી દિવસોમાં વટવા, નારોલ સહિત અન્ય જીઆઈડીસીમાં આવા વેડિંગ મશીન લાગવવાની તૈયારીઓ કરાઈ રહી છે. ઉપરાંત ટેકસ્ટાઈલ ઉદ્યોગો સાથે સંકલન કરી તેમાંથી નીકળતા કાપડના વેસ્ટમાંથી થેલી બનાવવા પર વિચારણા થઈ રહી છે. સાથે જ મહિલાઓના સ્વ સહાય જૂથ પાસેથી થેલી બનાવડાવી તેમને રોજગારી પુરી પાડવામાં આવશે.
