રાજકોટના ઉપલેટામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરથી શરુ થયેલી દાંડી સુધીની સંકલ્પ પદયાત્રા રાજકોટના ઉપલેટા ખાતે પહોંચી હતી. 900 કિલોમીટરની આ સંકલ્પ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે આ સંકલ્પ પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સંકલ્પ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગાંધીજીના વિચારો, સ્નેહ શાંતિ અને સંવાદ લોકો સમક્ષ મુકવા અને રજુ કરવાનો છે. આ સંકલ્પ પદયાત્રા ઉપલેટાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સંકલ્પ પદયાત્રાની સાથે સ્કૂલના બાળકો પણ જોડાયા હતા. આ યાત્રા દરમ્યાન ગાંધીજીના અતિ પ્રિય ભજનો, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના સેવકાર્યો ઉપરાંત રાષ્ટ્રભક્તિના ગીતો અને ગાંધી વિચારોના બેનર, કટ-આઉટ, ટેબ્લો, સુત્રોચ્ચાર, નારાઓ અને ગાંધીજીના આદર્શો સાથે પદયાત્રામાં ગાંધી વિચારોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.