આણંદની 6 બેઠકો પર 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

admin
3 Min Read

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે તા.10 નવેમ્બર 2022થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં ઉમેદવારોએ પોતપોતાના વિધાનસભા વિસ્તારની કચેરીઓ તરફ ઉમેદવારી ફોર્મ ભરવા દોડ લગાવી હતી. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી. આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકો ઉપર ૨૩ ઉમેદવારોના કુલ મળી-૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

ખંભાત વિધાનસભા બેઠક પર આજે કુલ-૫ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે મહેશકુમાર કનૈયાલાલ રાવલ અને ભીખાભાઈ વેરીભાઈ પટેલ અને આપના ઉમેદવાર તરીકે અરૂણકુમાર કાભઈભાઈ ગોહીલ અને શૈલેશભાઈ રમેશચંદ્ર પંડયાએ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. બોરસદ વિધાનસભા બેઠક ભરાયેલ ચાર ઉમેદવારોના કુલ-૬ ઉમેદવારીપત્રો પૈકી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે બે ઉમેદવારીપત્રો, નટવરસિંહ સરદારસિંહ મહિડાએ બે ઉમેદવારીપત્રો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનીષભાઈ રમણભાઈ પટેલ અને જગદિશભાઇ ગોવિંદભાઈ સોલંકીએ એક-એક ઉમેદવારીપત્રો ભર્યા હતા.

ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભરાયેલ ત્રણ ઉમેદવારોના કુલ-૬ ઉમેદવારીપત્રો પૈકી ભાજપના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારે ચાર ઉમેદવારીપત્રો, એનસીપીના ઉમેદવાર તરીકે જયંતભાઈ રમણભાઈ પટેલે એક ઉમેદવારીપત્ર અને આપના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ એક ઉમેદવારીપત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. આણંદ વિધાનસભા બેઠક પર ભરાયેલા પાંચ ઉમેદવારોના કુલ-૯ ઉમેદવારીપત્રો પૈકી ભાજપના ઉમેદવાર તરીકે યોગેશભાઈ રવજીભાઈ પટેલે ચાર ઉમેદવારીપત્રો, નિતાબેન ભરતભાઈ સોલંકીએ એક ઉમેદવારીપત્ર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાન્તિભાઈ મણીભાઈ સોઢાપરમારે બે ઉમેદવારીપત્રો તથા આપના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતભાઈ સેંદલીયા અને મેહુલકુમાર વિનોદભાઈ વસાવાએ એક-એક ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી. પેટલાદ વિધાનસભા બેઠક પર ભરાયેલ એક ફોર્મમાં આપના ઉમેદવાર અર્જુનભાઈ સિધાભાઈ ભરવાડે ઉમેદવારી નોંધાવી હતી. સોજીત્રા વિધાનસભા બેઠક પર ભરાયેલા પાંચ ઉમેદવારોના કુલ-૯ ઉમેદવારીપત્રો પૈકી ભાજપના ઉમેદવાર તરીકે વિપુલકુમાર વિનુભાઈ પટેલે ચાર ઉમેદવારીપત્રો અને જગદીશભાઈ ભયજીભાઈ સોલંકીએ બે ઉમેદવારીપત્રો, આપના ઉમેદવાર તરીકે મનુભાઈ રણછોડભાઈ ઠાકોર અને જયમીનકુમાર અમૃતભાઈ પરમારે એક-એક ઉમેદવારીપત્રો તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે એક ઉમેદવારીપત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી. જ્યારે આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં આજે એકપણ ઉમેદવારીપત્ર ભરાયું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Share This Article