કુદરત ક્યારેક ક્રુર બનતો હોય છે. આવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે. આવો જ કાળજુ કંપાવી દેનારો કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના ૯ સંતાનો મનોદિવ્યાંગ હોવાથી પરિવારની હાલત અત્યંત કફોડી થવા પામી છે. નવેય સંતાનોને સાંકળથી બાંધી રાખવા સાથે વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી મનોદિવ્યાંગ સંતાનોના પેટ ભરવાની ફરજ પડી રહી છે. ગોંડલ નગરપાલિકનાં શાસક પક્ષનાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સન્ડે સ્લમ ડે મિશન અંતર્ગત આ વિસ્તારમાં આવ્યાં ત્યારે આ આખો મામલો સામે આવ્યો છે.
આ અંગે તેઓ જણાવે છે કે, ‘ અમે દર રવિવારે જે વિસ્તારમાં નાના અને નબળા વિસ્તારોમાં જઇને તે લોકોની સમસ્યા સાંભળીએ છીએ અને તેમને તેમાથી ઉગારવાનાં પ્રયત્નો કરીએ છીએ. ગયા રવિવારે અમે અહીં આવ્યાં ત્યારે આ પરિવારનાં 9 મનોદિવ્યાંગ સંતાન જોઇને અમારૂં મન દ્વવી ઉઠ્યું હતું. આ લોકોનાં અમે મેડિકલ સર્ટી કરાવી અને સરકારને રજૂઆત કરીશું. સરકારમાંથી યોગ્ય ન્યાય મળે તે માટે અમે અપીલ કરીશું.’ઉપરોક્ત પરિવારની મજબૂરીને જોઈ સન્ડે સલામ ડે ના સદસ્યોની આંખોમાં પણ અશ્રુધારા વહેવા લાગી હતી. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મજબુર પરિવારને સંવેદનશીલ રાજ્ય સરકારમાંથી વધુમાં વધુ સહાય મળે તે અંગે રજૂઆતો સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.