સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતે 93 વર્ષની જૈફવયે કોરોનાને આપી મહાત

admin
2 Min Read

કોરોનાનું સંક્રમણ હજી પણ રાજ્ય સહિત દેશભરમાં યથાવત જોવા મળી રહ્યુ છે. કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે તો આ બિમારીને ઘણા લોકો માત આપી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે ઈ.સ. 1972થી શિક્ષણ ક્ષેત્રે સેવા કરતાં, સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશ સ્વામીજીએ 93 વર્ષની વયે કોરોનાને મહાત આપી છે. તેઓને એસ.જી.હાઈવે પર આવેલી એસ.જી.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં ૧૯ દિવસની સારવાર બાદ તેઓ કોરોનામુક્ત થયા છે. શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામીજીને શરૂઆતમાં તાવ-ખાંસીના લક્ષણો જણાઇ આવ્યા હતાં. જેથી આરોગ્યની તકેદારીને લક્ષમાં લઇ તા.21 ઓક્ટોબરના રોજ ટેસ્ટ કરાતાં સ્વામીજીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને એસ.જી.હાઈવે પર આવેલી એસ.જી.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. સ્વામીજીને બે-ત્રણ દિવસ શ્વાસ લેવામાં તકલીફ જણાતાં હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તેમને ઓક્સિજન પર રખાયા બાદ ૪ દિવસમાં તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી રિકવરી જોવા મળી હતી. ડોક્ટર દ્વારા આશ્વર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું કે 93 વર્ષની વયે કોરોના સામે સ્વામીજીના સ્વાસ્થ્યની રિકવરી ખૂબ જ સારી રીતે થઇ રહી છે. સ્વામીજીનો વિલ પાવર એટલો મજબૂત હતો કે તેના લીધે તેઓ કોરોનાને મહાત આપી શક્યા છે. સ્વામી માધવપ્રિયદાસજી દ્વારા શાસ્ત્રી સ્વામીજીની સારવાર માટે હોસ્પિટલમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે તા. 9મી નવેમ્બરના રોજ સ્વામીજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી પરત ફર્યા હતાં.

Share This Article