2 ટકા વ્યાજે 1 લાખની લોન મામલે મુખ્યમંત્રીને લીગલ નોટિસ

admin
2 Min Read

ગુજરાતની સરકારે આત્મનિર્ભર સહાય યોજના હેઠળ રૂ. 1 લાખ સુધીની લોનની જાહેરાત કરી હતી. ત્યારે આ લોન હેઠળ બે ટકાના વ્યાજ હેઠળ મળનારી લોનના ફોર્મ લેવા માટે ગુજરાતભરના લોકોએ સહકારી બેન્કોમાં લાઈનો લગાવી હતી, પરંતુ મોટાભાગના લોકો ફોર્મ મેળવ્યા વિના વિલા મોંએ પરત ફર્યા હતા.

નાના વેપારીઓ અને ઓછી આવક ધરાવતા લોકોને લોકડાઉનમાં કામધંધા બંધ થઈ જતાં બે ટકા વ્યાજે એક લાખ સુધીની લોન આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે.

જોકે, આ મામલે સુરત સ્થિત એક્ટિવિસ્ટ દ્વારા સીએમ વિજય રુપાણી અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી પર લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

(સંજય એઝવાહા)

સંજય એઝવાહા નામના એક્ટિવિસ્ટે પોતાના વકીલ ગિરિશ હરેજા મારફતે 23 મેના રોજ આ લીગલ નોટિસ મોકલી હતી અને સાત દિવસમાં તેનો જવાબ માગ્યો હતો. તેમની માંગ છે કે સરકારે લોન મેળવવા ઈચ્છતા લોકો પાસેથી કોઈના જામીન માગ્યા સિવાય પ્રાઈવેટ બેંકો મારફતે રકમની ફાળવણી કરવી જોઈએ.

આપને જણાવી દઈએ કે, વિજય રુપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની 14મી મેના રોજ જાહેરાત કરી હતી. જેમાં દાવો કરાયો હતો કે લોકડાઉનને કારણે આવક ગુમાવનારા દસેક લાખ જેટલા નાના વેપારીઓ અને કારીગરોને આ યોજના મારફતે એક લાખ રુપિયા સુધીની લોન મળશે.

મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે આ લોન લેવા માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે અને કોઈ ગેરંટી આપ્યા વિના જ તેનો લાભ લઈ શકાશે. જોકે, સહકારી બેંકો દ્વારા અપાતા ફોર્મમાં 10 જેટલા પુરાવા અને બે લોકોના જામીન અને તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો મગાતી હોવાનું બહાર આવ્યું હતું.

અરજકર્તા પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, પરિવારની વિગતો સહિતની વિગતો માંગવામાં આવે છે. સીએમ રુપાણીએ આ યોજનાની જાહેરાત કરતા જે દાવો કર્યો હતો તેની વિરુદ્ધ બેંકો ઢગલાબંધ પુરાવા અને જામીન માંગતા હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બેંકો સામાન્ય અરજકર્તાઓ પાસેથી જામીન ઉપરાંત અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. જેથી લોકોને પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવાઈ રહી છે.

Share This Article