શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી

admin
3 Min Read

એક જ સત્યને ઘણા એંગલથી જોઈ શકાય છે. શિવ તત્ત્વને પણ અનેક પ્રકારે જોવાની વિનમ્ર ચેષ્ટા આપણે ત્યાં થઈ છે. ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એમાં બે પ્રકારના પાઠ મળે છે. એક પાઠમાં ‘રુદ્ર’ શબ્દ આવે છે અને બીજા પાઠમાં ‘ઇન્દ્ર’ શબ્દ આવે છે. મોટેભાગે ‘ઇન્દ્ર’ શબ્દ પ્રયોજાયો છે. મહામુનિ વિનોબાજીએ પણ ઇન્દ્રવાળો પાઠ સ્વીકાર્યો છે. એ મનીષીઓએ આપણને સંકેત આપ્યો છે કે, અહીં ‘ઇન્દ્ર’ શબ્દ જ યોગ્ય છે. એને પ્રણામ કરીને, ‘રુદ્ર’ શબ્દને પણ આપણે આદર આપીએ.શિવ સમસ્ત છે. પછી ‘રુદ્ર’ પાઠ હોય કે ‘ઇન્દ્ર’ પાઠ હોય. શિવ જ ઇન્દ્ર છે, કારણ કે બ્રહ્મ છે. વેદસ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે. મનીષીઓએ એનું ભાષ્ય કર્યું છે. હે ભગવાન, હે પરમાત્મા, હે સદાશિવ, હે રુદ્ર, જે અમને દ્રવ્ય તો આપે છે, ધન તો આપે છે, પરંતુ શ્રેષ્ઠ દ્રવ્ય આપનારા અમને શ્રેષ્ઠ ધન આપો. વિપુલ માત્રામાં નિકૃષ્ટ ધન ન આપશો. મારો કહેવાનો મતલબ છે કે આપણી પરંપરામાં દ્રવ્ય માગવામાં આવ્યું છે, પરંતુ આપણને શ્રેષ્ઠ ધન મળે એવું મગાયું છે. અહીં લક્ષ્મી મળે, કચરો નહીં. એ રૂપ માગે છે. તો શિવ દિગંબર હોવા છતાં એ દેનારા છે. શ્રેષ્ઠ દેનારા મહાદેવ છે, ઇન્દ્ર કે રુદ્ર જે કહો તે.

ભગવાન શિવ પાસે માગ કરવામાં આવી છે કે, ‘ચિત્તિં દક્ષસ્ય’ એટલે કે સજ્જન લોકો જેવું ચિંતન અમને આપો, દુર્જનનું ચિંતન નહીં. સજ્જનો જેવું ચિંતન કરે છે, એવી વિચારધારા અમને પ્રાપ્ત થાય. વૈશ્ચિક વિચારધારા પ્રાપ્ત થાય, એવી માગ શિવ પાસે કરવામાં આવી છે. ‘સુભગત્વમસ્મે’, આચાર્યોએ એનો મતલબ એવો કર્યો છે કે અમારું સૌભાગ્ય વધારો. અમને ભાગ્યવાન બનાવો. અમે દુર્ભાગી ન રહીએ. તારા હોવાથી અમે ભાગ્યવાન બનીએ. કોઈ જનમમાં અમે એવી માંગ કોઈ ને કોઈ રૂપે કરી હશે ત્યારે, ‘બડે ભાગ માનુસ તનુ પાવા.’ અમે ભાગ્યવાન થયા છીએ અને મનુષ્યશરીર પ્રાપ્ત કરીને ભારતમાં આવ્યા છીએ. અમને ભાગ્યવાન બનાવો એવી શિવ પાસે માગ કરવામાં આવી. ‘પોષમ્.’ અમારું પોષણ કરો. દુનિયા અમારું શોષણ કરે છે, એટલે હે ઠાકુર, હૈ પરમાત્મા, હે સદાશિવ, અમારું પોષણ કરો. અમારું આનંદવર્ધન કરો. અમારો આનંદ અખંડ રહે, ક્ષણિક ન હોય એવી કૃપા કરો. ‘તનેનામ્.’ વેદના ઋષિ આગળ કહે છે કે અમારા શરીરને સુદૃઢ બનાવો. અમારું શરીર નીરોગી રહે, સ્વસ્થ રહે, જેથી અમે સાધના કરી શકીએ, જપ કરી શકીએ. અમે બીજાના ઉપયોગમાં આવી શકીએ. અમને એવો દેહ મળે. ‘વાચ:.’ અમને મધુર વાણી આપો. આપણે વેદ પાસે, રુદ્ર પાસે મધુર વાણી માગી હતી. ‘સત્યમ્ બ્રૂયાત્ પ્રિયમ્ બ્રૂયાત્.’ વાલ્મીકિજીએ રામજીને કહ્યું કે જે પ્રિય સત્ય બોલે એમના હૃદયમાં આપ નિવાસ કરો. આપણો પ્રત્યેક દિવસ સુદિન બને. આપણા આખા આયુષ્યના જેટલા દિવસ હોય એ પ્રત્યેક દિવસ સુદિન બને. જેટલા દિવસો આવા સત્સંગમાં જાય, લોકોનું હિત કરવામાં, બીજા સાથે પ્રીત કરવામાં, સેતુ બનાવવામાં જાય એ જ આપણા સુદિન છે. તો હે શિવ, હે ભોલેબાબા, અમે તારી સ્તુતિ કરીએ છીએ.

Share This Article