ગુજરાતમાં નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની નિમણૂંકની સાથે રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફાર થયા છે. ગૃહ વિભાગ દ્વારા 74 આઈપીએસ અધિકારીઓની બદલી-બઢતી કરવામાં આવી છે. સાથે જ અનેક શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી કરવામાં આવી છે. આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.
(File Pic)
તો સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય વડોદરા પોલીસ કમિશનરની જવાબદારી આર.બી.બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. આ ઉપરાંત શમશેર સિંઘને ADGP તરીકે ગાંધીનગર બદલી કરવામાં આવી છે. તો વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આઈજીપી ઈન્ટેલિજન્સ વિભાગમાં મુકવામાં આવ્યા છે.
(File Pic)
જ્યારે કેજી ભાટીને અમદાવાદના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે. અમિતકુમાર વિશ્વકર્માને અમદાવાદ ક્રાઇમમાં જેસીપી તરીકે મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવશે તેવા અહેવાલો સામે આવી રહ્યા હતા. ત્યારે હવે આખરે આ બદલી પર સરકારની મહોર લાગી ગઈ છે. સરકારે 31 ઓગસ્ટના રોજ નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી કરાયા બાદ અમદાવાદ, સુરત અને વડોદરા શહેરના નવા પોલીસ કમિશ્નરની સાથે મોટાપાયે અધિકારીઓની બદલી કરી છે.