ચીનના વુહાન પ્રાંતથી શરુ થયેલા કોરોના વાયરસે આજે વિશ્વના અનેક દેશોમાં પોતાનો પગપેંસારો કરી દીધો છે. અમેરિકા, ભારત, બ્રાઝિલ, રશિયામાં કોરોનાના લાખોની સંખ્યામાં કેસો સામે આવ્યા છે. ત્યારે આ વાયરસને જડમૂડમાંથી ઉખાડી ફેંકવા વેક્સીન પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. આ વચ્ચે દુનિયાના સૌથી ધનવાનોમાં જેમની ગણના થાય છે એવા માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે કોરોનાની વેક્સીનને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે.
બિલ ગેટ્સે કોરોના મહામારીમાં ઝઝુમી રહેલ વિશ્વને ભારત પાસેથી મોટી આશાઓ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષ એટલે કે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં જ કોરોનાની વેક્સીન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. ગેટ્સે કહ્યું કે આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કોવિડ-19ના ઘણા વેક્સીન લાસ્ટ ફેઝમાં હશે. હું તેને લઈને ઘણો આશાવંત છું કે આગામી વર્ષના પ્રથમ કવાર્ટર સુધી કોવિડ-19ની ઘણી વેક્સીન અંતિમ ચરણમાં હશે.
વેક્સીનના ઉત્પાદન વિશે બિલ ગેટ્સે ભારતની ઉપયોગીતાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત એક પ્રમુખ વેક્સીન ઉત્પાદક દેશ છે અને કોવિડ-19 વેક્સીનના ઉત્પાદનને લઈને અમને ભારતના સહયોગની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા ઇચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી ભારતમાં સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન આવી જાય. ભારત પાસેથી બને એટલી ઝડપથી વેક્સીન ઉપલબ્ધ થાય તેવી આશા છે.