કોરોના ટેસ્ટમાં મૂંઝવણ : AMCએ કહ્યું રિપોર્ટ નેગેટિવ, જ્યારે ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ

admin
2 Min Read

હાલમાં જ રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરી કે જે કોરોનાના ખોટા રિપોર્ટ જાહેર કરી રહી છે તેની સામે કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. જોકે, અમદાવાદમાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કોરોના ટેસ્ટિંગ ટેન્ટમાં પણ ખોટા રિપોર્ટ જાહેર કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે.  કોરોનાના સંક્રમણને લઈ અમદાવાદમાં વહિવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં  કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરાઈ છે.

સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. જે માટે એએમસી દ્વારા બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મુકવામાં આવ્યા છે. જોકે વહિવટી તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા આ ટેન્ટમાં કોરોનાના દર્દીના રિપોર્ટને લઈ સવાલ ઉઠ્યા છે. અમદાવાદના ઘોડાસરમાં શકુન્તલા દેવી દૂબે નામની મહિલા એ તંત્ર દ્વારા લગાવવામાં આવેલ ટેન્ટમાં રિપોર્ટ કરાવ્યો હતો. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરન્તુ તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમણે ફરીથી રિપોર્ટ કરાવ્યો જે પણ નેગેટિવ આવ્યો. જોકે તેમ છતાં શ્વાસ લેવામાં વધુ તકલીફ હોવાથી શકુન્તલા દેવીના પરિવાર દ્વારા તેમનો રિપોર્ટ પ્રાઇવેટ લેબમાં કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારે સવાલ એ છે કે દિવસમાં હજારો લોકો ટેન્ટમા રિપોર્ટ કરાવતા હોય છે અને પોતાની જાતને સંતોષ માનતા હોય છે કે રિપોર્ટ નેગેટિવ છે પંરતુ આવા કિસ્સા કેટલા બનતા હશે? શું આ તંત્રની બેદરકારી નથી? જ્યારે ખાનગી લેબ સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતા કોરોના ટેસ્ટિંગને લઈને પણ ઘણી જગ્યાએ સવાલ ઉઠવા લાગ્યા છે.

Share This Article