કોરોના વાયરસની મહામારીના લીધે ઉદ્યોગ-ધંધાઓ સહિત શાળા-કોલેજો પણ બંધ રાખવાની ફરજ પડી છે. દેશમાં લોકડાઉન બાદ અનલોક હેઠળ વેપાર-ધંધા ફરી શરૂ થઈ ગયા છે. પરંતુ શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસીસ 25 માર્ચથી લઇને અત્યાર સુધી બંધ છે અને ક્યારે ખુલશે તે અંગે હજી પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ત્યારે વિશ્વ બેંકે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોનાની બીમારીને કારણે સ્કૂલો-કોલેજો લાંબા સમયથી બંધ રહેશે તો તેનાથી ભારતને ભાવિ કમાણીમાં ૪૦૦ અબજ ડોલરથી વધુનું નુકસાન થાય તેવી શક્યતા છે.
હાલની સ્થિતિ મુજબ દક્ષિણ એશિયામાં નુકસાનનો આંકડો વધીને ૬૨૨ અબજ ડોલરે પહોંચે છે. જે કદાચ ૮૮૦ અબજ ડોલર સુધી પણ પહોંચી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, એશિયામાં સૌથી વધુ નુકસાન ભારત થકી જ થવાનું છે. તમામ દેશોને તેમના જીડીપીમાં નોંધપાત્ર ફાળો ગુમાવવો પડી શકે છે. ‘બીટન ઓર બ્રોકન? ઇન્ફોર્મેલિટી એન્ડ કોવિડ-૧૯ ઇન સાઉથ અશિયા’ નામના શીર્ષક હેઠળના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દક્ષિણ એશિયા ૨૦૨૦માં અત્યાર સુધીની સૌથી ભયાનક મંદીનો સામનો કરી રહ્યું છે.
કોરોનાની આકરી અસર અર્થતંત્ર પર પડી રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “દક્ષિણ એશિયાના તમામ દેશોમાં શાળાઓ અનિશ્ચિતત મુદ્દત સુધી બંધ થવાથી વિદ્યાર્થીઓ પર ઉંડી અસર થઇ છે. આ દેશોના 39.1 કરોડ વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત થઇ ગયા છે. અહેવાલમાં એ પણ નોંધ્યું છે કે રોગચાળાને કારણે 55 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાંથી નીકળી શકે છે અને ભણતરની નોંધપાત્ર ખોટનું કારણ બની શકે છે, જે વિદ્યાર્થીઓની પેઢીની ઉત્પાદકતા પર આજીવન અસર કરશે