વડોદરા સેન્ટ્રલ જેલમાં ખેલાયો ખૂની ખેલ….દાયકા બાદ બન્યો બીજો બનાવ

admin
1 Min Read

ગુજરાતના મોટા શહેરોમાં આવેલ સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતી હોવાની ઘટના અવાર નવાર સામે આવી ચુકી છે. જોકે, વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં હત્યા થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે થયેલી મારામારીમાં કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા થઈ હોવાની ઘટનાના પગલે પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસનમાં હડકમ્પ મચી ગયો છે.

કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની અન્ય કેદીઓ સાથે જેલમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે દરમિયાન એક કેદીએ અજ્જુને ગળાના ભાગે પતરુ મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મહત્વનું છે કે, અનેક ખંડણી, લૂંટ જેવા ગુનાઓમાં અજ્જૂ કાણીયા વોન્ટેડ હતો જે બાદ અજ્જુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ત્યારથી તે સેન્ટ્રલ જેલમાં બંધ હતો. હાલ રાવપુરા પોલીસે જેલમાં થયેલ મારમામારી અને હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની જેલમાં હત્યાનો આ બીજો બનાવ છે. આ પહેલા આશરે એક દાયકા અગાઉ અમદાવાદની સાબરમતી જેલમાં ગોવા રબારીએ તેના સાગરીતો મારફતે હત્યા કેસના આરોપી કેદી ચેતન બેટરીની હત્યા કરાવી હતી.

Share This Article