પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોની હવે ખેર નહીં, DGPએ આપ્યા આદેશ

admin
1 Min Read

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે. ત્યારે વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી વસુલતા વ્યાજખોરો સામે હવે રાજ્ય સરકાર કડક હાથે કામ લેવા જઈ રહી છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા પણ કાયદામાં સુધારો કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. ત્યારે આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જરુરીયાતમંદ લોકોને ગેરકાયદે રીતે ઊંચા વ્યાજે નાણાં આપી તેની વસુલાત માટે પઠાણી ઉઘરાણી કરવા માટે ધાક ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આ રહી છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલા લેવામાં આવે છે.

ત્યારે રાજ્યના પોલીસવડા દ્વારા આવા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જિલ્લા-શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલા લેવા આદેશ કરાયો છે. ઘણા કિસ્સામાં વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. ત્યારે આવા બનાવમાં ડીજીપીએ પાસા અને મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સુધીના આદેશ આપવામાં આવ્યા છે.

Share This Article