રાજ્યના લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહીં? શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

admin
1 Min Read

કોરોના મહામારીને કારણે હાલ રાજ્યભરની સ્કૂલો બંધ છે. સ્કૂલો શરૂ ન થવાથી અને માત્ર ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલી રહ્યું હોવાથી વાલી મંડળે ધો.1થી 8માં માસ પ્રમોશન આપવાની માંગ કરી છે. વાલીઓને પણ આશા હતી કે સરકાર આ વખતે કોરોના મહામારીના પગલે બાળકોને માસ પ્રમોશન આપશે. પરંતુ શિક્ષણ વિભાગે વાલીઓની આશા પર પાણી ફેરવી દીધુ છે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી.

આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી. બીજીબાજુ રાજ્ય સરકારે ધોરણ 1થી ધોરણ 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના સંકેત છે. આ અંગે શિક્ષણમંત્રી અને શાળા સંચાલકો વચ્ચેના વેબિનારમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ સંકેત આપ્યા છે. જ્યારે દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ 6 થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે.

Share This Article