વડોદરાનો શર્મનાક કિસ્સો, સસરા-પતિ પાર્ટીમાં દારૂ-મટન પીરસવા માટે પરિણીતાને કરતા દબાણ

admin
2 Min Read

વડોદરાના ભાયલી ગામમાં સાસરિયાઓનો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા બાદ અવાર નવાર ઘરમાં પતિ તથા સસરા દ્વારા યોજાતી દારૂ અને મટનની પાર્ટીમાં પરિણીતાને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. જેથી સાસરીયાના ત્રાસથી કંટાળી વડોદરા તાલુકા પોલીસ મથકે પરિણીતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સાસરિયાના પાંચ સભ્યો વિરુદ્ધ બળાત્કાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

મળતી માહિતી મુજબ, શહેરના વાસણા રોડ પર રહેતી 28 વર્ષીય યુવતી બીબીએનો અભ્યાસ કરે છે તેના લગ્ન વર્ષ -2019 માં ભાયલી ગામના કમલકાંત પટેલ સાથે થયા હતા. કમલકાંત હાલોલની કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી 2 માસ સુધી ઘર સંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ સાસરિયાંએ દહેજની માંગણી શરૂ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ અને સસરા દારૂ પીવાની કુટેવ સાથે નોનવેજ આરોગવાની આદત ધરાવતા હોવાથી એ લાવવા માટે પત્નીને બજારમાં મોકલતાં હતાં. એટલુ જ નહીં પરિણીતાને અવાર નવાર દારુ પાર્ટી અને મટન પાર્ટીમાં પીરસવા માટે દબાણ કરતા હતા. ઉપરાંત કમલકાંત પાર્ટી દરમિયાન પોતે નિર્વસ્ત્ર થઇને પત્નિ સામે ડાન્સ કરતો હતો. આ મામલે પરિણીતાએ તેના સાસુ મીનાબેનને જાણ કરતા ઠપકો આપવાને બદલે ઉલટાનું પરિણીતાને ખખડાવી હતી. આ ઉપરાંત પરિણીતાએ દાખલ કરાવેલ ફરિયાદમાં પતિ દ્વારા તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવામાં આવતો હોવાનું પણ જણાવ્યુ છે. હાલ તાલુકા પોલીસે પીડિત પરિણીતાની ફરિયાદના આધારે પતિ અને તેના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article