આતંકવાદ વિરુદ્ધ એક્શન પ્લાનને લાગૂ કરવા પાકિસ્તાનને FATFની સૂચના

admin
1 Min Read

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ફરી એકવાર ગ્રે લિસ્ટમાં જ રાખીને મોટો ફટકો માર્યો છે. ઓનલાઈન યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને લઈ આ નિર્ણય લેવાયો છે. સાથે જ 27 પોઇન્ટ એક્શન પ્લાનને લાગૂ કરવામાં નિષ્ફળ રહેલી પાકિસ્તાની સરકારને FATFએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

જોકે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા હવાતિયા મારી રહેલી પાકિસ્તાનની ઇમરાન સરકારે સંસ્થાની આંખમાં ધૂળ નાંખવાના અનેક નિષ્ફળ પ્રયાસ કરતા લોબિંગ ફર્મ કેપિટલ હિલની સેવા પણ લીધી હતી. એમ છતાં FATF એ પાકિસ્તાનના સ્ટેટસમાં કોઇ સુધારો ન કરતા તેને ગ્રે લિસ્ટમાં જ રાખ્યું.

FATFએ એમ પણ જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વનું છે કે, ગ્રે લિસ્ટમાં યથાવત રહેવાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળવાની સાથે સાથે તેને મોટો ફટકો પડવાની શક્યતા છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF), વર્લ્ડ બેંક અને યૂરોપિયન યૂનિયન તરફથી મદદ મળવી પણ મુશ્કેલ બનશે. જેથી પહેલાથી કંગાળ સ્થિતિમાં રહેલા પાકિસ્તાનની હાલત વધારે ખરાબ થશે.

Share This Article