ભાજપના નગર સેવકે એસઆઈનો પકડ્યો કોલર

admin
2 Min Read

સુરત મહાનગર પાલિકાના ફિલ્ડ પર જઇને ફરજ બજાવતા કર્મચારીઓ પર શહેરીજનો કે માથાભારે તત્ત્વો દ્વારા થતા હુમલા હવે સામાન્ય થઇ ગયા છે. આવા કિસ્સામાં કર્મચારીઓની સુરક્ષા માટે નક્કર આયોજન થઇ શક્યું નથી. ત્યારે ભાજપના નગરસેવકે ભરત મોના પટેલે ચાની દુકાન પર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કાર્યવાહી કરવા જનારા એસઆઇનો કોલર પકડીને જાહેરમાં તમાચો મારી દેતાં ભારે વિવાદ ઊભો થયો છે. વરાછા વિસ્તારમાં હનુમાન રોડ સ્થિત રંગ અવધૂત સોસાયટીની સામે માર્જિનની જગ્યામાં મલી ચા નામની દુકાન આવેલી છે. સ્થાનિક લોકો તેમજ મનપાના કર્મચારી મંડળના જણાવ્યા મુજબ આ દુકાનના માલિક વોર્ડ નં 14ના ભાજપનાં નગરસેવક ભરત મોના પટેલ છે. અગાઉ આ દુકાનમાંથી બે વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં નોટિસ પણ અપાઇ હતી. આમ છતાં ત્રીજી વખત વરાછા ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું. ત્યારે વધુ એકવખત પ્રતિબંધિત પ્લાસ્ટિકની ઝભલા અને કપ મળી આવતાં તેની સામે કાર્યવાહી હાથ ધરી હોવાથી દુકાન ચલાવતા માણસે ફોન કરી ભરત મોનાને બોલાવ્યા હતા. ભરત મોનાએ તરત આવીને મારા વિસ્તારમાં મને પૂછ્યા વગર ચેકિંગ કેમ કરે છે. તેવું કહી સબ સેનેટરી ઇન્સ્પેક્ટર જગદીશ પ્રજાપતિ અને ટ્રેઇની સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડ સાથે ધક્કામુક્કી કરી હતી. એટલું જ નહીં જગદીશ પ્રજાપતિનો તો કોલર પકડીને તમાચો પણ મારી દીધો હતો. દરમિયાન ટોળું ભેગું થઇ જતાં વાતાવરણ ગરમાયું હતું. વરાછા પોલીસે ફરિયાદ દાખલ નહીં કરવા માટે અને મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

Share This Article