બિહારમાં બીજા તબક્કાની 94 બેઠકો માટે મતદાન પૂર્ણ

admin
1 Min Read

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 17 જીલ્લાઓની 94 સીટો માટે મતદાન પૂર્ણ થયુ છે. કોરોના મહામારી વચ્ચે થઇ રહેલા મતદાનમાં મતદાતાઓએ ભારે ઉત્સાહથી મત આપ્યા છે. ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં સરેરાશ 53.51 ટકા મતદાન નોંધાયુ છે. બીજા તબક્કામાં પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર, મધુબની, દરભંગા, મુઝ્ફફરપુર, છપરા, પટના જેવી બેઠકો માટે મતદાન થયુ હતું. મહત્વનું છે કે, મતદાનના પ્રારંભથી જ કેન્દ્રો પર ભારે લાંબી લાઇનો જોવા મળી હતી.

પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ મતદાતાઓએ લોકતંત્રના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અહીંના દિગ્ગજ નેતાઓ તેજસ્વી યાદવ, પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ અને પુષ્પમ પ્રિયા ચૌધરી સહિત કુલ 1463 ઉમેદવારોનું નસીબ દાવે લાગ્યુ છે.

જોકે બીજા તબક્કાના મતદાનના પ્રારંભમાં જ કેટલાક બૂથ પર ઇવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદો આવી હતી, પરંતુ ચૂંટણી પંચની સક્રિયતાએ તેનું નિરાકરણ લાવી દીધુ હતું અને બીજા તબક્કાનું મતદાન પણ પહેલા તબક્કાના મતદાનની જેમ શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું. અહીં મતદાન દરમિયાન કોઇપણ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. જોકે કેટલાક જીલ્લાઓમાં લોકોએ વિકાસના મુદ્દે મતદાનનો વિરોધ પણ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, , બિહાર ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

Share This Article