US ચૂંટણીમાં ગુજરાતી મૂળના નીરજ અંતાણીએ રચ્યો ઇતિહાસ

admin
1 Min Read

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિસ પાર્ટીની ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવાર કમલા હેસિસ સહિત અનેક ભારતીય મૂળના અમેરિકનોએ ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવ્યુ હતું. તેમાં ભારતની સાથે સાથે ગુજરાત અને કચ્છને ગૌરવ અપાવવાનું કાર્ય નીરજ અંતાણીએ કરી બતાવ્યું છે.

ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને 29 વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. નીરજ હાલ રાજ્યના પ્રતિનિધિ છે અને તેમણે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતા અને ઓહિયો સેનેટના છઠ્ઠા જિલ્લા માટે રાજ્ય સેનેટર તરીકે ચૂંટાયા હતા, જેમાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના વિસ્તારનો સમાવેશ થાય છે.

ચૂંટણીનાં પરિણામ બાદ અંતાણીએ જણાવ્યું હતું કે, હું જે સમાજમાં જન્મ્યો અને ઉછર્યો તેના સમર્થન માટે ઘણો આભારી છું. વાત કરવામાં આવે નીરજ અંતાણી વિશે તો તે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમના માતા-પિતા 1987મા ભારતમાંથી વોશિંગટન શિફ્ટ થયા હતા અને ત્યારબાદ મિયામી જતા રહ્યા હતા. નીરજ અંતાણીનો જન્મ અમેરિકામાં થયો હતો. તેઓ 23 વર્ષની ઉંમરમાં 2014માં પ્રતિનિધિઓના ઓહિયો ગૃહમાં ચૂંટાયા હતા. જ્યારે 2015મા ફોર્બ્સ મેગેઝિને કાયદા અને નીતિ માટે 30 વર્ષથી ઓછી ઉંમરના ટોપ-30 લોકોમાં નીરજ અંતાણીનો સમાવેશ કર્યો હતો.

Share This Article