7મી વાર શપથ લઈ ઈતિહાસ રચશે નીતિશ કુમાર

admin
2 Min Read

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે. આ સાથે જ તેઓ ફરી એકવાર ઈતિહાસ રચવાના છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ ગ્રહણ કરશે. બિહારમાં આરજેડીને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી.

જોકે આ સફરમાં તેમણે ઘણી પાર્ટીઓ સાથે દોસ્તી કરી તો ઘણી પાર્ટીઓ સાથે દુશ્મની પણ કરી એટલે કે તેમની આ સફર ઘણી ઉતાર ચઢાવવાળી રહી જોકે તેમ છતાં તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળતા રહ્યા. નીતીશ કુમાર બહુમતની સાથે ભલે 2005માં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા 2000માં પણ તેઓ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા હતા. વર્ષ 2005માં બીજેપી અને જેડીયૂના વ્યાપક ચૂંટણી અભિયાનનો ચહેરો નીતીશ કુમાર બન્યા. આરજેડીના લાંબા શાસનને લઈ લોકોની વચ્ચે ઊભા થયેલા ગુસ્સાનો સીધો ફાયદો નીતીશને મળ્યો હતો અને તેઓ 2005માં મુખ્યમંત્રી બન્યા. તેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. ત્યારબાદ 2010માં પણ બન્ને પાર્ટીઓએ મળી ચૂંટણી લડી અને નીતિશ કુમાર ત્રીજી વાર સીએમ પદ પર આવ્યા.

જોકે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ નીતીશ કુમારે નૈતિક નિર્ણય લઈ સીએમ પદ છોડી દીધુ અને નીતીશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ ફરી 22 ફેબ્રુઆરી 2015ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના ચોથી વાર શપથ લીધા. તે જ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. દશકો સુધી એક-બીજાના પ્રતિદ્વંદી રહેલા નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એક થઇ ગયા હતા.

મહાગઠબંધન હેઠળ બંનેએ મળીને એનડીએની સામે ચૂંટણી લડી. બંને પાર્ટીઓની ઐતિહાસિક જીત થઇ અને નીતીશ કુમારે પાંચમી વાર 20 નવેમ્બર 2015ના રોજ શપથ લીધા. પછી લગભગ બે વર્ષ બાદ જ્યારે નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી દીધો અને બીજેપીનો સાથ લીધો. જૂના સહયોગી ફરી એકવાર સાથે આવી ગયા હતા. પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર નીતીશની પકડ એવી જ રહી. 27 જુલાઈ 2017ના રોજ તેઓએ છઠ્ઠી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. હવે ફરી એકવાર ચૂંટણીમાં એનડીએની જીત થઇ છે. જેડીયૂ સ્પષ્ટ રીતે બીજેપીની સામે જૂનિયર પાર્ટનર બની ચૂકી છે. પરંતુ બીજેપીનો વાયદો કાયમ છે. નીતીશ કુમાર સાતમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળશે.

Share This Article