સુરેન્દ્રનગરમાં અકસ્માત બાદ કારમાં આગ લાગતા 7 લોકો જીવતા ભૂંજાયા

admin
1 Min Read

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે. શનિવારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખેરવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં  ડમ્પરે કારને અડફેટમાં લેતા કારમાં ભયાનક આગ લાગી. જેના પગલે કારમાં સવાર 7 લોકો કારમાં બળીને ભડતુ થતાં કરુણ મોત નિપજ્યા હતા.

જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મોતને ભેટનાર તમામ લોકો એક જ પરિવારના હોવાની વિગત સામે આવી છે.

આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે જ્યારે મૃતકોના પરિજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. અકસ્માતના પગલે ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈકો કારમાં કુલ 8 લોકો સવાર હતા જે પૈકી સાત લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે

Share This Article