ગાંધીનગર અક્ષરધામ મંદિર હવે 30 નવે. સુધી રહેશે બંધ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ એક વખત વકરી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જ્યાં બે દિવસનું કર્ફ્યૂ પૂર્ણ થયુ છે અને રાત્રિ કર્ફ્યૂની શરુઆત થઈ છે. ત્યારે અમદાવાદને અડીને આવેલા ગાંધીનગરમાં કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને વિશ્વ પ્રસિધ્ધ અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

બીએપીએસ સંસ્થા દ્વારા ગાંધીનગર અક્ષરધામ મંદિરને કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા સંસ્થા દ્વારા ગાંધીનગર અક્ષરધામને 23 નવેમ્બર એટલે કે સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ સરકારે જે સાવચેતીના પગલા લીધા છે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર 30 નવેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્થિત બીએપીએસ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામો પણ 30 નવેમ્બર સુધી બંધ રહેશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી હતી.

Share This Article