રાજકોટ આગની ઘટનાના પડઘા સુપ્રીમમાં પડ્યા, સુપ્રીમે ગુજરાત સરકારનો ઉધડો લીધો

admin
1 Min Read

રાજકોટમાં ગત મોડી રાત્રે હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને લઈ ખળભળાટ મચ્યો છે. આ આગની ઘટનામાં 5 લોકો જીવતા ભૂંજાયા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે.

ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગ બાદ પણ મોટા શહેરોની હોસ્પિટલમાં એ જ બેદરકારી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. જેને લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ખખડાવી છે.

સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા. જસ્ટિસ ભુષણે પૂછ્યું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે. કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જોઈએ. સુપ્રીમકોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ગુજરાતની ઘટના વિશે આકરા સવાલો કર્યા જે બાદ SG મેહતાએ કોર્ટને હૈયાધારણ આપી કે તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું.

Share This Article