બોડેલીનું બાંડી ગામ બન્યું યોગીનગર…

admin
2 Min Read

યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું રે ગોકુળ બનાવ્યું….આ કિર્તનની કડીની જેમ યોગીજી મહારાજે ના માત્ર સૌરાષ્ટ્ર પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં જઈ જઈ આ ગામડાઓને પણ સત્સંગના રંગે રંગી ગોકુળ બનાવ્યુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ચોથા આધ્યાત્મિક વારસદાર યોગીજી મહારાજના નામે વધુ એક ગામનું નામ રાખવામાં આવ્યુ છે. બોડેલી તાલુકાના બાંડી ગામને હવેથી યોગીનગર તરીકે લોકો ઓળખશે.

જેનું નામકરણ હાલમાં જ કરવામાં આવ્યુ હતું. વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના રોજ બોડેલી તાલુકાના બાંડી ગામનું નામકરણ યોગીનગર કરવામાં આવ્યું. જેના નામકરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના હરિભક્ત અને ઓએનજીસીમાં ફરજ બજાવતા અમદાવાદના ગોપાલભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

(ગામ સરપંચ નંદલાલ સાથે ગોપાલભાઈ સુથાર)

બોડેલી સ્થિત બીએપીએસ મંદિરના સંતોના માર્ગદર્શન દ્વારા બાંડી ગામ હવે યોગીનગર તરીકે ઓળખાતુ થયુ છે. બાંડી ગામના સ્થાનિક રહેવાસી નગીનભાઈ રાઠવા જે પોતે એસઆરપી વિભાગમાં ફરજ બજાવે છે તેઓ પોતે પણ આ નામકરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ત્રણ ગામના ભિંડોલ, ધરોલીયા અને બાંડી (યોગીનગર) ગામના સરપંચ નંદલાલભાઈ હિમ્મતભાઈ કોળી સહિતના ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ, સ્વામિનારાયણ ધૂન બોલાવી ઠાકોરજીની મૂર્તિ સાથે રાખી ગામનું નામકરણ કરવામાં આવ્યુ હતું. 1 હજારની વસ્તી ધરાવતું આ ગામમાં હાલ મોટાભાગના લોકો નિર્વ્યસની છે.  મહત્વનું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના છઠ્ઠા વારસદાર એવા બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજે બોડેલી તાલુકાના આદિવાસી વિસ્તારમાં વિચરણ કરીને હજારો આદિવાસી લોકોને વ્યસન મુક્ત કરી નિર્વ્યસ્ની બનાવ્યા તેમજ માંસાહાર કરતા લોકોને શાકાહારી બનાવી ભગવાનના માર્ગે વાળ્યા હતા.

Share This Article