બંગાળમાં અમિત શાહે લગાવ્યા જય શ્રી રામના નારા, મમતા સરકાર પર સાધ્યું નિશાન

admin
1 Min Read

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા સરકારને ધ્વસ્ત કરવા માટે ભાજપ ખૂબ જ સક્રિય થયુ છે. પશ્ચિમ બંગાળના ચૂંટણીના રણમાં ગૃહમંત્રી શાહે ગુરુવારે જંગી સભા ગજવી અને મમતા બેનર્જી પર આકરા હુમલાઓ કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ફરીવાર ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી મેદાનમાં ઉતરી કૂચવિહારમાં રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક હશે અને અહીં ભાજપની સરકાર રચાશે. પોતાના સંબોધનમાં શાહે જય શ્રી રામના નારા અંગે પણ વાત કરી. બંગાળમાં ઘણા સમયથી જય શ્રી રામના નારાને લઈને મોટો વિવાદ થઈ રહ્યો છે ત્યારે મમતા બેનર્જી પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે બંગાળમાં જય શ્રી રામ નહીં બોલીએ તો શું પાકિસ્તાનમાં જઈને બોલીશુ? હું કહું છું કે ચૂંટણી સમાપ્ત થશે ત્યાં સુધી તો મમતા બેનર્જી પણ જય શ્રી રામ બોલવા લાગશે. અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહાર કરતા જણાવ્યું કે, મમતા બેનર્જી માત્ર એક સમુદાયના વોટ માટે આ બધુ કરે છે પણ તેમણે ભારતના દરેક ધર્મનું સન્માન કરવું જ પડશે. મહત્વનું છે કે, અમિત શાહ આ પહેલા પણ પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં પ્રચાર અભિયાનમાં સામેલ થયા હતા. જે દરમિયાન તેમણે મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Share This Article