તંત્રના કાન બહેરા થયા તો આંખે અંધાપો આવ્યો… લુણાવાડામાં પાટીલના રોડ શોમાં કોરોનાના નિયમ નેવે મૂકાયા

admin
1 Min Read

ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે, ત્યારે ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેમાં રાજકીય નેતાઓ દ્વારા યોજવામાં આવતી રેલીઓ તેમજ રોડ શોના લીધે કોવિડના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના મહિસાગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વધુ એક વખત કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

જીલ્લાના લુણાવાડામાં પ્રવાસે પહોંચેલ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા. રેલી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે જનસભા પણ સંબોધી હતી. જોકે, ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને નેવે મૂકી દેવાયા હતા. તો રેલી દરમિયાન પ્રદેશ પ્રમુખે પોતે પણ માસ્ક વિના નજરે પડ્યા હતા.

એટલુ જ પાટીલના સ્વાગતમાં પહોચેલા સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે હજારોની સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ યોજેલી બાઈક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળ્યો હતો. મહત્વનું છે કે એક તરફ પ્રજાને નિયમ તોડવા બદલ મસમોટા દંડ ફટકારવામાં આવે છે. તો બીજ તરફ રાજકીય કાર્યક્રમમો ખુલ્લેઆમ નિયમના ધજાગરા ઉડે છે છતા કોઈ જ કાર્યવાહી નથી થતી. ત્યારે આ જોતા તો એમ લાગી રહ્યું છે આ નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ બનેલા છે..

Share This Article