અ’વાદમાં વાહનચાલક અને પોલીસ વચ્ચે લાઈસન્સ મામલે બોલાચાલી : યુવકને ઢોર માર મારતા મામલો બિચક્યો

admin
2 Min Read

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસે વાહનચાલક અને પોલીસકર્મી વચ્ચે લાઈસન્સ મામલે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મીએ વાહનચાલક પર લાઠીચાર્જ કર્યો હતો. રોડ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો આ દ્રશ્ય જોઈને ઉભા રહી ગયા હતા અને જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટનાસ્થળે ભેગું થઈને પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા.

મળતી માહિતી મુજબ બનાવની જાણ થતાં ધારાસભ્ય બલરામ થાવાણી પણ આવ્યા હતા પરંતુ થોડીવાર બાદ તે પણ ત્યાંથી જતા રહ્યા હતા. આ દરમિયાન કુબેરનગરથી નાના ચિલોડા અને એરપોર્ટ તરફ જવાને રસ્તા લગભગ 4થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ  અમારી thesquirrel.in  ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અમારી ટીમે પીડિત યુવક સાથે વાતચીત કરી હતી. યુવકે આ અંગે જણાવ્યું કે, તે ડીજી લોકરમાં લાઈસન્સ બતાવી રહ્યો હતો. આ દરમિયાન બે પોલીસકર્મીને વંચાતું નહોતું, તો ત્રીજા પોલીસકર્મી પાસે ગયો તો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ગાળો આપીને મારવાનું શરૂ કર્યું. પોલીસકર્મીએ યુવકને ઢોર માર માર્યો હતો જેના પગલે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો એટલુ જ નહીં યુવકને ઢોર માર મારતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચારેય પોલીસકર્મીઓ પીધેલી હાલતમાં હતા. બનાવની જાણ થતાં ઉચ્ચ અઘિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે, લાઈસન્સ બાબતે યુવકને ફટકારતા જોરદાર હોબાળો મચી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઈ જતાં પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

Share This Article