રાજકોટના પડધરી ગામમાં આજે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગામના આગેવાને 108ને જાણ કરી હતી કે લાલ કપડાં પર ધૂળ નાખી ઢાંકેલી બાળકી મળી આવી છે, જેના આધારે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે તરત તેની સારવાર શરૂ કરી દીધી હતી. ગ્રામજનોમાં ફૂલ જેવી બાળકીને તરછોડી મૂકનાર માતા સામે ધિક્કારની લાગણી વ્યાપી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, પડધરીના નાની ખીજળિયા ગામના તળાવ નજીક એક નવજાત બાળકી મળી આવી હતી.
બાળકીને લાલ કપડામાં વીંટાળી તળાવ નજીક મૂકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી, પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં એમાંથી બાળકી મળી આવી હતી, તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મૂકી ગયું હોવાની જાણ તરત 108ને કરવામાં આવી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતાં પાયલોટ, ઇએમટી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જરૂરી સારવાર આપી બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંબા બાદ ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે.
