રાજકોટ : ભાજપની સુશાસન સપ્તાહની ઉજવણી સામે વિપક્ષ નેતાનો સૌ.યુનિ.માં વિરોધ

admin
2 Min Read

રાજકોટમાં ભાજપ દ્વારા આજથી સુશાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા. સાથોસાથ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને NSUIના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. શિક્ષણ બચાવોના સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે, અગાઉથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય ગયો હતો અને વિરોધ થતા જ પોલીસે પરેશ ધાનાણી સહિત 10 કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે અટકાયત સમયે પોલીસ અને ધાનાણી વચ્ચે ઝપાઝપી થઇ હતી. અટકાયત કરેલા તમામને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અગાઉથી જ વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધરણાના કાર્યક્રમમાં પરેશ ધાનાણી, મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વીડિયો રજૂ કરીને ભાજપ વિરોધી આકરા પ્રહારો કરતાં લખ્યું હતું કે, ભૂખ્યાને અન્નના અધિકાર પર કમળ છાપેલી થેલીનો ભાર લદાય છે. ભાજપ ગરીબોના સ્વાભિમાન પર પણ પ્રસિદ્ધિ મેળવવા મથે છે. આ વીડિયોમાં રેશનકાર્ડના લાભાર્થીઓ પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપના પ્રતિકવાળી થેલી લઈને ઊભા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ અંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે કોંગ્રેસ બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

Share This Article