ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. સંકટની સંભાવનાને અનુલક્ષીને વડોદરા NDRFની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે માછીમારોને પરત બોલાવી લેવામા આવ્યા છે. તો બીજી બાજુ બગસરાના જામકા ગામ ભારે વરસાદના લીધે સંપર્ક વિહોણું બન્યુ છે
જેમાં બગસરા તાલુકાના ગામે ભારે વરસાદના લીધે પુરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે..બગસરાથી જામકા શિલાણા સંપર્ક વિહોણા બન્યા છે તો સાતલડી નદીમાં ઘોડાપુર આવતા પુરના પાણી રોડ ઉપર ફરી વળતા રોડનું ધોવાણ થતા લોકો માટે અવર-જવર મુશ્કેલ બન્યુ છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર એચ.એલ.ઉપાધ્યાય સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જેમાં બગસરા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, આર એન્ડ બી સ્ટેટ સહિતના અધિકારીઓએ જામકાની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ હાલ તાત્કાલિક રોડ ચાલુ કરાવવાની કામગીરી હાથ ધરતાં ગામ લોકોએ હાશકારો લીધો છે.
