સુરત-સિવિલ હોસ્પિટલમાં છતના પોપડા પડતા સફાઈ કામદાર ઈજાગ્રસ્ત

admin
1 Min Read

સુરત સિવિલ હોસ્પિટલનું 55 વર્ષ જુનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. વારંવાર છત કે બીમના પોપડા પડી રહ્યાં હોવાની ફરિયાદો વચ્ચે શુક્રવારે સવારે અહીંની સિઝનલ ફ્લૂની ઓપીડીમાં છતના પોપડા પડતા મહિલા સફાઈ કામદારના પગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે ઓપીડીમાં હાજર નર્સ, ટેક્નિશીયન સહિતના ત્રણ-ચાર કર્મચારી બાલબાલ બચ્યાં હતા. આ ઘટના બાદ ભયભીત કર્મચારીઓ ટ્રોમા સેન્ટરમાં તબીબી અધિકારીને રજૂઆત કરી હતી. સિઝનલ ઓપીડીમાં હાલ બહાર ગામ જવા ઇચ્છતા લોકોનું કોવિડ ટેસ્ટિંગ થઈ રહ્યું છે

. શુક્રવારે સવારે સિઝનલ ફ્લૂની ઓપીડીમાં હાજર નર્સ, ટેક્નિશીયન અને વિમલબાઈ પાટીલ (ઉ.વ.65, રહે આર્વિભાવ સોસા. પાંડેસરા) નામની મહિલા સફાઈ કામદાર પોત-પોતાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે અચાકન છતનો મોટો પોપડો પડ્યો હતો. જે ઓપીડીમાં સાફ-સફાઈ કરી રહેલી વિમલબાઈના ડાબા પગ પર પડતા ગંભીર ઇજા થઈ હતી. જ્યારે અન્ય કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત વિમલબાઈને લોહીલુહાણ હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાઈ હતી. વિમલબાઈના પગે પાંચ ટાકા આવ્યા હોવાનું જાણવા મળે છે. સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી વચ્ચે બનેલી આ ઘટના સિવિલ કેમ્પસમાં દિવસભર ચર્ચાનો વિષય બની હતી

Share This Article