અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદથી વડિયા તાલુકાના દેવલકી ગામે મગફળીના પાથરા ઉપાડ્યા પછી ખેતરમાં પાણી વહેતા રહેતા આજે 15 દિવસે પણ ખેતરમાં અંદર જઈ શકાય તેમ નથી. મગફળી તેમજ ઢોરનો પાલો ખેતરમાં જ ધૂળ થઈ ગયા હોય ત્યારે ખેતરમાં અવિરત પાણીને કારણે સેવાળ થઈ જતા જગતના તાતને મૂંઝવણ ઉભી થઇ છે. વડિયા તાલુકાના અનેક ગામોના ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. અમરેલી જિલ્લાનું છેવાડાનું વડિયા તાલુકાનું દેવળકી ગામના ખેડૂતોની વ્યથા પણ વરસાદ બાદની છે. આ વિસ્તારમાં ખેડૂતો મોટે ભાગે મગફળીનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીંના ખેડૂતોને મગફળી ઉત્પાદન ખુબ થયું છે. પરંતુ ખેતરમાં જઈ શકાય તેમ નથી નજર સામે આ મગફળીને માટી થઈ જતા જોવી પડવાની મજબૂરી ખેડૂતોની થઈ છે.
વરસાદી આફતને લઈને ખેડૂતોના પાકોને નુકશાન થયું છે. આ વિસ્તારના ખેડૂતોએ 90 ટકા મગફળી અને 10 ટકા કપાસનું વાવેતર કર્યું છે. આ સીઝનમાં અનિયમિત વરસાદથી તો ખેડૂતો હેરાન હતા પણ પાછળથી સતત વરસાદ દશેક દિવસ વરસ્યો. અને 10 દિવસથી ખેડૂતે પોતાના તૈયાર પાકના પાથરા ખેતરમાં રાખ્યા હતા. આ દશેક દિવસ સુધી વરસાદી આફ્તને લઈને ખેડૂત પોતાના પાકની નુકશાની લઈને ચિંતિત થયો છે. ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાયની આશા રાખી રહ્યા છે. જો આ વિસ્તારમાં સર્વે કરી યોગ્ય સહાય સરકાર દ્વારા ચૂકવાય એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
