ગુજરાત-રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો

admin
3 Min Read

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે ભાર રાજ્યમાં માર્ગ વિકાસ – માર્ગ નિર્માણની સુવિધાઓ પર આપવામાં આવ્યો હતો. માર્ગ વિકાસ માટે રૂ. ૧૪૯૪.૨૧ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૪ લાખ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ ૧૨,૩૭,૪૨૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીની આગેવાનીમાં VGGS-2021 સંદર્ભે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન તા. ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ જશે. અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલ ૯ સમિટમાં થયેલ એમ.ઓ.યુ. પૈકી કુલ ૭૦.૬૧ ટકા પ્રોજેક્ટ સફળ રહ્યા છે. રાજ્યના સાંસદોના મત વિસ્તારના કામો માટે રૂ. ૧૦ કરોડ ફાળવાયા છે. મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે અને રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવાન બને તે માટે રાજ્ય સરકારે મહત્વના અનેક નિર્ણયો કર્યા છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે રૂા.૧૪૯૪.૨૧ કરોડના કામોને મંજૂરી આપી છે. પ્રવક્તા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્યના માર્ગ વિકાસ ક્ષેત્રે વધુને વધુ વિકાસ કામો હાથ ધરીને જનસુખાકારી પુરી પાડવા માટે આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રૂા. ૧૪૯૪.૨૧ કરોડના કામોને મંજૂરી આપી છે જેમાં પંચાયત હસ્તકના રૂા.૪૨૬.૬૩ કરોડના જોબ નંબર, કોઝ વે માટે રૂા.૪૬૦.૬૦ કરોડ, પરા જોડાણ માટે રૂા.૪૩૪.૨૪ કરોડના કામો તથા રાજ્ય રસ્તા, વાઇડનીંગ,રીસરફેસીંગ માટે રૂા.૪૭૨.૭૪ કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના માલપુર ગામે સરકારી ખરાબાની જમીનની વર્ષો જૂની માંગણી અન્વયે લેવાયેલા નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષ ૧૯૯૫થી આ ગામડાની ખરાબાની જગ્યામાં રહેતા અરજદાર વિધવા બહેન સ્નેહલતાબેન અરવિંદભાઈ પરમાર પછાત વર્ગના અને ગરીબ હોવાનું જણાતા સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને તેઓને ન્યાયના હિતમાં એકવડી કિંમત લઈ જમીન મંજુર કરવા અનુમતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય કેસમાં વિભાગ દ્વારા અઢી ગણી કિંમત વસૂલવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તારીખ ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં નામાંકિત ઉધોગપતિઓનું એક ઉચ્ચકક્ષાનું ડેલિગેશન આવતીકાલે તા. ૮ અને ૯ ડિસેમ્બરના રોજ દુબઇ જશે. આ ડેલિગેશન ઊર્જા, એન્જીનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજીસ્ટિક્સ , ફાઇનાન્સિયલ ટેકનોલોજીનું તથા સેવાક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ઉધોગપતિઓ-કંપનીઓ સાથે વન ટુ વન વિચાર વિમર્શ કરશે.

Share This Article