અમરેલી જિલ્લામાં અવિરત ધીમીધારે વરસાદ

admin
1 Min Read

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગઈ કાલે આખી રાત વરસાદ પડ્યો હતો. અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ, લાઠી, બાબરા, બગસરા કુંકાવાવમાં આખી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખોડિયાર ડેમ, રાયડી ડેમ, સુરવો ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે. જોકે, સતત વરસાદથી જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીના કમીગઢની સ્થાનિક નદીમાં પૂર આવતા કમીગઢ જવાનો રસ્તો હાલ બંધ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા કમીગઢ ગામ જવાનો માર્ગ બંધ થયો છે. અમરેલીના વાડીયામાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ધારીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધારીના સરસીયામાં ધોધમાર વરસાદ પડ્યો. જેથી ગામમાં પાણી ભરાયા છે.  ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે વડિયાના સુરવો ડેમમાં નવા નીરની આવક થઈ છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી સુરવો ડેમમાં પાણીની આવક થઈ છે. જેથી ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરવો નદી બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

Share This Article